26/07/2025
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન(A.M.A.)નાં સંયુક્ત ઉપક્રમે એક્સપોર્ટ અંતર્ગત માર્ગદર્શન સેમીનાર યોજાયો.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભાવનગર શહેર-જીલ્લાના નિકાસ વેપારને વિશેષ ગતી મળે તે હેતુથી એક્ષ્પોર્ટ માટે વ્યૂહાત્મક બજાર પસંદગી, વેપાર મેળાઓ / પ્રદર્શનો અને વેબસાઇટ દ્વારા નિકાસમાં વૃદ્ધિ કઈ રીતે કરવી તે વિષય અંતર્ગત એક માર્ગદર્શન સેમીનાર યોજાયેલ.
કાર્યક્રમનાં પ્રારંભમાં ચેમ્બરનાં માનદ્દ ખજાનચીશ્રી નીલેશભાઈ નાણાવટીએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવેલ કે ભાવનગર જીલ્લામાંથી દિન-પ્રતિદિન એક્ષ્પોર્ટનું પ્રમાણ વધતુ જાય છે અને હજુ પણ લોકો એક્સપોર્ટ અંગે રસ ધરાવે છે તે આજના સેમીનારની સંખ્યા પરથી પ્રતિપાદન થાય છે. કોઈપણ રાષ્ટ્રની ઉન્નતી માટે વિદેશી હૂંડિયામણ ખુબ જ મહત્વનું છે જે એક્ષ્પોર્ટ દ્વારા મળે છે. ભારતની કૂલ નિકાસમાં ગુજરાતનો ફાળો ૩૧ ટકા છે જે બાબત આપણા સૌ માટે ગૌરવની છે. અંતમાં તેઓએ સૌને એક્ષ્પોર્ટ ક્ષેત્રે આગળ વધો તેવી શુભકામનાઓ આપેલ.
કાર્યક્રમનાં મુખ્ય વક્તાશ્રી અંકિતભાઈ મજમુદારે વિષયને અનૂરૂપ વક્તવ્ય આપતા જણાવેલ કે ભારતમાંથી કઈ પ્રોડક્ટ અને ક્યા દેશમાં એક્ષ્પોર્ટ થાય છે તેની જાણકારી મેળવવી, પ્રોડક્ટની એક્ષ્પોર્ટની તકો કેટલી છે અને જે - તે દેશમાં એક્ષ્પોર્ટ કરવાનું છે તેમાં કેટલું પોટેન્શિયલ છે, ભારતમાંથી કઈ પ્રોડક્ટ કેટેગરીની કેટલી એક્ષ્પોર્ટ વેલ્યુ છે તેની કાળજી લેવી અને જે - તે દેશમાંથી કઈ પ્રોડક્ટ એક્ષ્પોર્ટ થઇ રહી છે તેની જાણકારી મેળવવી. ટ્રેડ ફેર, એક્ઝીબીશન અને કંપનીની વેબસાઈટ એક્ષ્પોર્ટ વધારવામાં કેવી રીતે મદદરૂપ થાય છે તે વિષે વિસ્તૃત જાણકારી આપેલ.
આ પ્રસંગે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશનનાં સીનીયર મેનેજર(પીઆર) શ્રી દેવાંગભાઈ દેસાઈ એ તેમની સંસ્થા વિષે અને સંસ્થા દ્વારા થતી પ્રવૃતિઓ વિષે વિસ્તૃત પરિચય આપેલ. પ્રશ્નોત્તરીના સેશન દરમિયાન શ્રોતાઓ દ્વારા એક્ષ્પોર્ટ વિષય અંતર્ગત પૂછવામાં આવેલ પ્રશ્નોના વક્તા દ્વારા સંતોષકારક પ્રત્યુતરો આપવામાં આવેલ.
કાર્યક્રમનાં અંતે આભારવિધિ અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશનનાં સીનીયર મેનેજર(પીઆર) શ્રી દેવાંગભાઈ દેસાઈએ જ્યારે કાર્યક્રમનું સુપેરે સંચાલન ચેમ્બરની એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ કમિટીનાં ચેરમેનશ્રી યોગેશભાઈ વ્યાસે કરેલ.
આ કાર્યક્રમમાં ચેમ્બરનાં હોદ્દેદારો, મેનેજીંગ કમિટીનાં સભ્યો અને વિશાળ સંખ્યામાં એક્ષ્પોર્ટ કરતા એકમોના પ્રતિનિધિઓ અને એક્ષ્પોર્ટ કરવા ઈચ્છતા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહેલ.